(PIC: PIXABAY.COM)
શિયાળો આવતાની સાથે જ મોટાભાગના લોકોના ઘરે એક-બે ઘરના સદસ્યોને શરદી અથવા તો ખાંસીની સમસ્યા રહેતી જ હોય છે. હવે આજે અમે આજ મુદ્દા ઉપર વાત કરવાના છીએ કે શરદી કેમ થાય છે અને આ શિયાળાની શરદી મટાડવા માટે શું કરવું જોઈએ. શરદી થવાના આમ તો મુખ્ય બે કારણો હોય છે જેના કારણે શરદી થતી હોય છે જેની વાત આપણે નીચે મુદ્દાસર કરીશું.
શિયાળામાં માત્ર ગરમ કપડા પહેરવાથી આપણે ઠંડીથી બચી શકતા નથી પણ શરીરમાં પણ ગરમી અને સારી રોગપ્રતિકારક શક્તિ હોવી પણ એટલી જ જરૂરી માનવામાં આવે છે. આવી ઠંડીમાં તમે ગરમ ઉકાળા પી શકો છો અથવા તો ગરમ ખોરાક ખાઈને પણ શરીરને ગરમ રાખી શકો છો અને રોગપ્રતિકારક શક્તિ માટે તમે શિયાળાના લીલા શાકભાજી ખાઈને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.
શરદી-ખાંસી અને કફ મટાડવા માટેના ખાસ ઉપાય:
શરદી થવાના કારણ:
આમ તો શરદી ઘણા કારણોસર તમને થઈ શકે છે જેમાં મુખ્ય બે કારણો શરદીના જોવા મળે છે.
૧) શરદી એ વાઈરસ જન્ય રોગ છે. જેથી તે વાઈરસના કારણે થાય છે અને તે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે. શરદી થયેલ વ્યક્તિ જ્યારે છીંક ખાય છે અથવા તો ખાંસી ખાય ત્યારે મોઢામાં રહેલ શરદીનો વાયરસ હવામાં ફેલાય છે અને તંદુરસ્ત વ્યક્તિ જ્યારે આવી હવા નાક વાટે શ્વાસમાં લે છે ત્યારે તે વ્યક્તિને ચેપ લાગી જાય છે.
૨) જો તમને કોઈ વસ્તુની એલર્જી હોય તો તેના કારણે પણ તમને શરદી થઈ શકે છે. જેમ કે અમુક લોકોને ધૂળ ઊડતી હોય તો શરદી અને ખાંસીની અસર તરત થઈ જતી હોય છે.
ખાંસી થવાના કારણ:
ખાંસી થવાનું મુખ્ય કારણ એ વધારે પડતું ખરાબ તેલ વાળું ખાવાથી અથવા તો વધારે પડતું ઓઈલી ખાવાથી ખાંસી અથવા તો કફની અસર તમને તરત થવા લાગે છે. વાસી અથવા તો પડી રહેલો ખોરાક ખાવાથી પણ તમને ખાંસી અથવા તો કફની અસર થઈ શકે છે. ચટપટું અને મસાલેદાર ખાવાથી પણ ખાંસી અથવા તો કફની અસર તમને થઈ શકે છે. ઋતુ પરિવર્તનના કારણે પણ તમને ક્યારેક સામાન્ય ઉધરસ અથવા તો કફ થતાં હોય છે.
શરદી-ખાંસી અને કફ મટાડવા માટેના ઉપાય:
– ગોળ એ તમને શિયાળામાં શરદી અને ખાંસીની સમસ્યામાંથી છુટકારો આપી શકે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફસ, આયરન, વિટામિન્સ અને કોપર જેવા પોષક તત્વો હોવાથી ગોળ એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળનું સેવન કરવું એ આયુર્વેદ મુજબ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ગોળ એ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શારીરિક શક્તિને પણ વધારવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
– આદુને આયુર્વેદ મુજબ ખૂબ જ અકસીર માનવામાં આવે છે. શિયાળામાં તમે ગરમ પાણીમાં આદું અને મરી મસાલા નાખીને તેનો ગરમ સૂપ પીવાથી તમને ખાંસી અને શરદીની સમસ્યામાંથી રાહત મળશે. આદુનું ગરમ પાણી એ તમારા ગળામાં રાહત આપશે અને શરદીને પણ ઝડપી મટાવામાં ઉપયોગી બની રહેશે.
– મધનો ઉપયોગ પણ ખાંસી અથવા તો કફને મટાડવા માટે કરવામાં આવે છે. નવશેકા ગરમ પાણીમાં તમે મધ અને થોડા પ્રમાણમાં લીંબુ નાખીને પીવાથી તમને ખાંસીમાંથી છુટકારો મળશે. મધ એ શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે સાથે શરીરને હાઇડ્રેડ પણ રાખે છે.
– અરડૂસી અથવા તો તુલસીનો ઉકાળો પીવાથી પણ તમને કફ અથવા તો ખાંસીમાં રાહત મળે છે અને તમારા ગળામાં આ ઉકાળો પીવાથી રાહત પણ મળે છે. અરડૂસીનો ઉકાળો એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે તમને શરદી થઈ હોય તો તતેમાં પણ રાહત અપાવે છે.
– જો તમને વધારે પડતાં કફ થઈ ગયા હોય તો તમે ગરમ પાણીની અંદર લીંબુ નાખીને એજ પાણી થોડી થોડી વારે તરસ લાગે ત્યારે પી શકો છો. આમ કરવાથી તમારા ગળામાં અને છાતીમાં ભરાયેલ કફ બહાર આવવા લાગશે. કોરોના કાળ વખતે આ ઉપાય અકસીર માનવામાં આવ્યો છે.
– મીઠું અને ગરમ પાણીના કોગળા કરવાથી તમને ખાંસીમાં રાહત થાય છે અને ગળામાં થતાં દુખાવાથી પણ તમને રાહત મળે છે. મોટાભાગના લોકો ગળામાં દુખાવો થાય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરતાં હોય છે.
– ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી પણ તમને શરદી અને ખાંસીમાં રાહત મળે છે. ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી ગળામાં થતાં દુખાવામાં પણ તમને રાહત થઈ શકે છે.
– જ્યારે તમને ખાંસી થાય ત્યારે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળવું એ જરૂરી છે. જેથી તમારા શરીરમાં ડીહાઈડ્રેશન ન થાય. પાણી પીવાથી તમારા ગળામાં રાહત રહે છે અને જો તમે હુંફાળું પાણી પીવો છો તો તેના કારણે તમને ઘણો બધો ફાયદો થશે.
ખાસ નોંધ: મિત્રો ઉપર આપેલ ઉપાય એ ઘરગથ્થું ઉપાય છે. જેનાથી ઘણાબધા લોકોને રાહત પણ મળેલી છે અને આ ઉપાય ગામડામાં કરતાં જ હોય છે. ઉપર મુજબના અમુક ઉપાય કરવાથી મને પણ આરામ થયેલ છે અને કોરોના કાળ વખતે મે પણ આ ઉપાય ઉપયોગમાં લીધેલ છે. જો તમને વધારે પડતી શરદી અથવા તો ખાંસી થઈ જાય છે તો તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો અથવા તો ડોકટરના સલાહ સૂચન મુજબ ઉપરના ઉપાય કરી શકો છો. ડોક્ટરની સલાહ લેવી એ હિતાવહ છે. જો તમારા પાસે પણ આવા કોઈ ઉપાય હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જેથી બીજા મિત્રો પણ તેનો લાભ લઈ શકે.