રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ટેટ 1-2 ની પરીક્ષાનો અભ્યાસક્રમ (TET 1-2 Syllabus) આજે અમે અહિયાં મૂકવાના છીએ. શિક્ષક યોગ્યતા કસોટી અંગેની તમામ કસોટીઓ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલ હશે અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પરીક્ષાની પદ્ધતિ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે.
ટેટ 1 અને 2 ના મૂલ્યાંકનમાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. સંપૂર્ણ ગોપનિયતા પ્રશ્નપત્રોની રચના સાથે જે તે વિષયની લાયકાત અને અનુભવ ધરાવતા ઉત્તમ તજગ્નો દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવાની રહેશે. તે માટેના અલાયદા નીતિનિયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયાર કરાવી પ્રચાર પ્રસાર કરશે.
પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી – ૧ નો અભ્યાસક્રમ: TET 1 Exam Syllabus:-
૧) વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ ૯૦ મિનિટનો રહેશે.
૨) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
૩) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.
વિભાગ-૧: બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો: ૩૦ બહુહેતુક પ્રશ્નો: દરેકનો એક ગુણ: ૩૦ માર્કસ:
આમાં રિઝનિંગ એબિલિટિ, લોજીકલ એબીલીટી, ટીચર એપ્ટીટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે.
બાળવિકાસ અને શિક્ષનાં સિદ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વયજૂથના બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
વિભાગ ૨ અને ૩: ભાષા ૧ અને ૨ (ગુજરાતી અને અંગ્રેજી): ૩૦-૩૦ પ્રશ્નો: કુલ ગુણ ૬૦:
ભાષાકીય સજ્જતા અને વિધાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ભાષા ૧ ગુજરાતીમાં થશે. જ્યારે ભાષા ૨ અંગ્રેજીમાં ભાષાના મૂળ તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
વિભાગ ૪: ગણિત: ૩૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ: કુલ ગુણ ૩૦:
વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધી ક્ષમતા તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યાવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
વિભાગ ૫: પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવહોની જાણકારી: ૩૦ પ્રશ્નો: ૩૦ ગુણ:
પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-૨ નો અભ્યાસક્રમ: TET 2 Exam Syllabus:-
૧) આ કસોટીમાં બે વિભાગ રહેશે. વિભાગ-૧ અને વિભાગ-૨.
૨) વિભાગ-૧ દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે.
૩) વિભાગ-૨ ત્રણ વિષય શિક્ષકો માટે જુદા જુદા રહેશે. વિભાગ-૨ ગણિત-વિજ્ઞાનની કસોટી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક થવા માટે. વિભાગ-૨ ભાષાની કસોટી ભાષાના શિક્ષક થવા માટે અને વિભાગ-૨ સામાજિક વિજ્ઞાનની કસોટી સામાજિક વિજ્ઞાનના શિક્ષક થવા માટે.
૪) દરેક વિભાગમાં ૭૫-૭૫ પ્રશ્નો રહેશે અને બંને વિભાગોનો સમય ૧૨૦ મિનિટનો રહેશે.
વિભાગ-૧: કુલ ૭૫ પ્રશ્નો:
૧) બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો: ૨૫ પ્રશ્નો: ૨૫ ગુણ:-
આમાં રિઝનિંગ એબિલિટિ, લોજીકલ એબીલીટી, ટીચર એપ્ટીટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે.
બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ ૧૧ થી ૧૪ વયજૂથના બાળકો માટેના અધ્યાપનના અને અધ્યયનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે તેનું સૂચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
૨) ભાષા (ગુજરાતી અને અંગ્રેજી): ૨૫ પ્રશ્નો અને ૨૫ ગુણ:
ભાષાકીય સજ્જતા અને વિધાર્થી સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે. જ્યારે અંગ્રેજી ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
૩) સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી: ૨૫ પ્રશ્નો અને ૨૫ ગુણ:
વિભાગ-૨: કુલ ૭૫ પ્રશ્નો:
૧) આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે.
ગણિત અને વિજ્ઞાન
અથવા ભાષાઓ (અંગ્રેજી ૪૦ ગુણ, ગુજરાતી ૨૦ ગુણ, હિન્દી અને સંસ્કૃત ૧૫ ગુણ)
અથવા સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, નાગરીકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે.)
૨) `ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને પ્રોબ્લેમ સોલ્વીંગ એબિલીટીસ તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષયનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે. વિજ્ઞાન જેવા વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, રોજબરોજના અનુભવો સાથેનું વિજ્ઞાન, સ્વાનુભાવો, અવલોકન અને નિરીક્ષણો વગેરે ધ્યાને રાખી મૂલ્યાંકન થશે.
૩) સંકલિત ભાષાઓના પેપેરમાં દરેક વિષયની ભાષાસજ્જતા, સંભાષણ અને વિધાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન તથા ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન થશે.
૪) સામાજિક વિજ્ઞાનમાં દેશ-પ્રદેશની ભૂગોળ/ઈતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક મુલ્યો જેવી બાબતોને આવરી લેવાશે.
૫) આમ આ કસોટી માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. પરંતુ તેનું કઠીનતામૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે.
શિક્ષક યોગ્યતા કસોટીમાં પસંદગી પામવાના ધોરણો:
૧) પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ ૧ થી ૫ માટેના ઉમેદવારે વિભાગ ૧ થી ૫ માં કુલ ૬૦ ટકા ગુણ મેળવેલ હશે, તે ઉમેદવારે શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ) પાસ કરી છે તેમ ગણાશે.
૨) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૬ થી ૮ માટેના ઉમેદવારો વિભાગ-૧ અને વિભાગ-૨ માં દરેકમાં ઓછામાં ઓછા ૫૦ ટકા અને બંને મળી ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
૩) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને વિકલાંગ ઉમેદવારના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટી ૫૫ ટકા ગુણ મેળવી ઉત્તીર્ણ કરવાની રહેશે.
૪) આ પરીક્ષા પાસ કરવાનું સરકારી: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ, જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ, બિન અનુદાનિત અને અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની પસંદગી માટે ફરજિયાત રહેશે.
આ પરીક્ષા જરૂરી લાયકાત માટેની છે, તેનાથી શિક્ષક તરીકે પસંદગી તરીકેનો હક મળતો નથી.
શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા પ્રાપ્ત અવધિ:
શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા પ્રાપ્ત અવધિ પાંચ વર્ષની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટેના પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્ને આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારાના અને સારા મેરીટ માટે એક કરતાં વધારે વખત પરીક્ષા આપી શકશે. અને તેવી સ્થિતિમાં છેલ્લી કસોટીના ગુણ પસંદગી માટે માન્ય ગણાશે. ઉમેદવાર ઈચ્છે તો પ્રાથમિક શિક્ષક કસોટી અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક કસોટી બંને આપી શકશે.
દરેક સફળ ઉમેદવારને ગણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવારનું નામ અને સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું તથા કોડનંબર, જન્મતારીખ, પરીક્ષાનો બેઠક નંબર, પ્રયત્નોની સંખ્યા, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, દરેક પેપરના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા, ક્લાસ વગેરે છાપવાના રહેશે.