આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને ઈંગ્લીશમાં ટૂંકમાં AB-PMJAY યોજના તરીકે ઓળખવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત તારા મેદાન ખાતે યોજાયેલ સમારોહમાં “આયુષ્માન ભારત” યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના એ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના માનવામાં આવે છે.
ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ:
ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ અમદાવાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો હતો. ગુજરાતની ૧૭૦૦ થી પણ વધુ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં આ યોજના હેઠળ સારવાર ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત વીમા કંપનીઓ દ્વારા ૫૦ હજાર સુધીની સારવારનો ખર્ચ હોસ્પિટલોને ચૂકવામાં આવશે.
રૂપિયા ૫૦ હજારથી વધુ સારવારનો ખર્ચ મા વાત્સલ્ય યોજના હેઠળ હોસ્પિટલના બિલની ચકાસણી કરીને ચૂકવવામાં આવશે. આ સેવાઓ માટે નાગરિકે એક પણ રૂપિયો રોકડ હોસ્પિટલોને ચૂકવવાનો રહેતો નથી. ગુજરાતમાં આ યોજનાનું અમલીકરણ ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી દ્વારા કરવામાં આવશે.
આ યોજનાનું પૂરું નામ:
આયુષ્માન ભારત યોજનાનું પૂરું નામ ‘આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB-PMJAY) યોજના છે. અમેરિકામાં લોકપ્રિય બનેલી સ્વાસ્થ્ય યોજના ‘ઓબામાકેર’ ને આધારે તૈયાર થયેલી આ યોજનાને ‘મોદીકેર’ (Modicare) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય:
આ યોજનાના મુખ્ય બે ઉદ્દેશ્ય છે. દેશના તમામ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક સુવ્યવસ્થિત નેટવર્કનું સર્જન કરવું અને ગૌણ અને તૃતીય કક્ષાની સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત દેશની ઓછામાં ઓછી ૪૦ ટકા વસ્તીને વીમા કવચ પૂરું પાડવું. આ યોજના અંતર્ગત ભારતના ૧૦ કરોડ કુટુંબોને અને ભારતની કુલ વસ્તીના ૪૦ ટકા લોકોને એટલે કે આશરે ૫૦ કરોડ લોકોને રૂપિયા ૫ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનું નામ અને તેમના કુટુંબના સભ્યોનું નામ સામાજિક-આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં હોવું જરૂરી છે. કુટુંબની માસિક આવક ૧૦ હજાર રૂપિયાથી ઓછી હોય તેમને આ લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ આધારકાર્ડ, ઈ-કાર્ડ, “માં” અથવા “માં વાત્સલ્ય” કાર્ડમાંથી કોઈપણ એક કાર્ડ અને રેશનકાર્ડ સાથે રાખવાનું રહેશે. આ યોજના અંતર્ગત આયુષ્માન ભારત ફેમિલી હેલ્થ કાર્ડ પણ આપાવામાં આવશે અને ઈ-કાર્ડ પણ મળશે.
આ યોજનાથી શું લાભ મળશે?
આ યોજના આંતર્ગત દર્દીઓને કેશલેસ સારવાર પ્રદાન કરવા માટે સરકારના હાલના જાહેર આરોગ્ય કેન્દ્રોને વેલનેસ કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં લાભાર્થી લાભ લઈ શકશે. પરિવાર દીઠ વાર્ષિક રૂપીયા ૫ લાખનું વીમા કવચ મળશે. કોઈપણ ઉમરના કુટુંબના દરેક સભ્યોને આ યોજનાનો લાભ મળશે. નોંધણીના પ્રથમ દિવસથી જ આ યોજના અંતર્ગત આવરી લીધેલા રોગોની સારવાર હશે. સમગ્ર ભારતમાં નોંધાયેલ સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર આ સુવિધા ઉપલબ્ધ છે. રહેઠાણથી હોસ્પિટલ જવા સુધીનું પરિવહન ભથ્થું પણ ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત દેશના કોઈપણ રાજ્યમાં સારવાર કરવી શકાય છે.
ઉપયોગી માહિતી:
આ યોજના અંતર્ગત કેન્સર, હ્રદયરોગ અને ૧૩૫૦ બીમારીઓની સારવાર મળે છે. આ સારવાર ૨૩ મેડિકલ સ્પેશિયાલિસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પેકેજમાં હોસ્પિટલનો તમામ ખર્ચ તથા બે અઠવાડિયા દવા ઉપરાંત હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ બે અઠવાડિયા સુધીની સારવારનો અમાવેશ કરવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર-રાજ્ય વચ્ચે ૬૦:૪૦ નો ખર્ચનો હિસ્સો છે. ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજનાનો હેલ્પલાઈન નંબર ૧૪૫૫૫ છે.
આયુષમાન ભારત યોજનાની ઓફિશિયલ વેબસાઇટ માટે અહિયાં ક્લિક કરો.
આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ ચેક કરવા અહિયાં ક્લિક કરો.